સુપ્રીમ કોર્ટે રોહિંગ્યા મુસ્લિમોની સ્થિતિ પર સુનાવણી શરૂ કરી, જેમાં નક્કી કરવામાં આવશે કે ભારતમાં રહેતા રોહિંગ્યા શરણાર્થી છે કે ગેરકાયદેસર સ્થળાંતરિત. સુપ્રીમ કોર્ટે દેશમાંથી તેમને હાંકી કાઢવાના આદેશ સામે દાખલ કરાયેલી અરજીઓ અને શરણાર્થી શિબિરોમાં મૂળભૂત સુવિધાઓ પૂરી પાડવા સંબંધિત અરજીઓને જોડીને સુનાવણી શરૂ કરી છે.
જસ્ટિસ સૂર્યકાંતની આગેવાની હેઠળની બેન્ચે કહ્યું, “સૌથી મહત્વપૂર્ણ પ્રશ્ન એ છે કે શું રોહિંગ્યા શરણાર્થી છે કે ગેરકાયદેસર સ્થળાંતરિત. અન્ય તમામ મુદ્દાઓ આના પર નિર્ભર છે.” જો રોહિંગ્યા શરણાર્થી સાબિત થાય છે, તો તેમને આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય કાયદાઓ હેઠળ રક્ષણ મળશે. પરંતુ જો તેમને ગેરકાયદેસર સ્થળાંતરિત ગણવામાં આવે છે, તો તે તેમને ભારતથી મ્યાનમાર પાછા મોકલવા માટેનો સત્તાવાર આધાર બની જાય છે.
સુપ્રીમ કોર્ટે બેન્ચે રોહિંગ્યા કેસ માટે ચાર મહત્વપૂર્ણ પ્રશ્નો ઉભા કર્યા છે.
1) શું રોહિંગ્યાઓને શરણાર્થી જાહેર કરી શકાય છે?
જો હા, તો તેમને કયું કાનૂની રક્ષણ મળશે?
2) શું તેઓ ગેરકાયદેસર સ્થળાંતરિત છે અને શું ભારત સરકાર કાયદેસર રીતે તેમને દેશનિકાલ કરવા માટે બંધાયેલી છે?
3) જો તેમને ગેરકાયદેસર સ્થળાંતર માનવામાં આવે છે, તો શું તેમને અનિશ્ચિત સમય માટે અટકાયતમાં રાખી શકાય છે કે પછી
તેમને ચોક્કસ શરતો હેઠળ જામીન પર મુક્ત કરવાનો અધિકાર મળશે? અને
4) શું શિબિરોમાં રહેતા રોહિંગ્યાઓને પાણી, શૌચાલય, શિક્ષણ જેવી મૂળભૂત સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે?
સુપ્રીમ કોર્ટે રોહિંગ્યાઓને લગતા તમામ કેસોને એકસાથે ભેગા કર્યા અને બાકીના વિદેશી નાગરિકોના કેસોને એક અલગ બેચમાં મૂક્યા.
કેન્દ્ર સરકાર વતી એડવોકેટ કનુ અગ્રવાલે કહ્યું કે રોહિંગ્યા કેસોનો નિર્ણય પહેલા થવો જોઈએ, બાકીના કેસોનો નિકાલ પછી થવો જોઈએ. તે જ સમયે, વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણે કહ્યું કે આ કેસ 2013 થી પેન્ડિંગ છે અને રોહિંગ્યાઓને સંયુક્ત રાષ્ટ્રના ધોરણો હેઠળ તમામ પ્રકારની મૂળભૂત સુવિધાઓ મળવી જોઈએ, ભલે ભારત તે કરારનો ભાગ નથી. વરિષ્ઠ વકીલો અશ્વિની કુમાર અને કોલિન ગોન્સાલ્વિસે કોર્ટને જણાવ્યું કે રોહિંગ્યા મ્યાનમારમાં અત્યાચારથી બચવા માટે ભારત આવ્યા છે, પરંતુ મ્યાનમાર તેમને પાછા લેવા તૈયાર નથી.
એપ્રિલ 2021માં સુપ્રીમ કોર્ટે જે નિર્ણયો આપ્યો હતો તે “Mohammad Salimullah vs Union of India” કેસ સાથે સંકળાયેલો છે.
🔹 Writ Petition (Civil) No. 793 of 2017
આ રિટ પિટિશનમાં અરજીકર્તાએ રોહિંગ્યા શરણાર્થીઓના જતન અને દેશનિકાલ અટકાવવા માટે કોર્ટમાં વિનંતી કરી હતી.
તારીખ: 8 એપ્રિલ 2021
બેન્ચ: તત્કાલીન મુખ્ય ન્યાયમૂર્તિ એસ. એ. બોબડે, ન્યાયમૂર્તિ એ. એસ. બોપન્ના અને ન્યાયમૂર્તિ વી. રમાસુબ્રમણ્યમ
મુખ્ય મુદ્દો:
કેન્દ્ર સરકાર રોહિંગ્યાઓને તેમની માતૃભૂમિ મ્યાનમાર પાછા મોકલી શકે છે, જો તેઓ ગેરકાયદેસર સ્થળાંતરિત ગણાય છે. જોકે, તેમને જીવન અને વ્યક્તિગત સ્વતંત્રતાનો અધિકાર (અનુચ્છેદ 21) રહેશે.
ભારતે હજુ સુધી સંયુક્ત રાષ્ટ્ર શરણાર્થી સંમેલન 1951 અને તેના 1967 પ્રોટોકોલ પર હસ્તાક્ષર કર્યા નથી. આ કારણે, ભારતમાં શરણાર્થીઓ માટે કોઈ ખાસ કાયદો કે નીતિ નથી. ભારત પરંપરાગત રીતે તિબેટી, શ્રીલંકાના તમિલ અને અન્ય શરણાર્થીઓને માનવતાવાદી ધોરણે આશ્રય આપે છે, પરંતુ રોહિંગ્યાઓના કિસ્સામાં, સુરક્ષા અને ગેરકાયદેસર ઘૂસણખોરીનો મુદ્દો વધુ મહત્વ મેળવી રહ્યો છે.
STORY BY: NIRAJ DESAI