ભારતીય તહેવારો માત્ર આનંદ કે ભોગ વિલાસ માટે નથી, પરંતુ આત્મજાગૃતિ અને આંતરિક શુદ્ધિ માટેનો માર્ગ બતાવે છે. જૈન સમાજનો પવિત્ર તહેવાર પર્યુષણ એ તેનો શ્રેષ્ઠ ઉદાહરણ છે.
“પર્યુષણ” શબ્દનો અર્થ છે – આત્મામાં વાસ કરવો, પોતાના અંતરમાં ઝાંખી કરવી. વર્ષ દરમિયાન મનુષ્ય અનેક પ્રકારની પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહે છે – ભૌતિક સુખ, દૈનિક કાર્ય, સંબંધો અને જવાબદારીઓ. પરંતુ આ બધામાં આપણા અંતરની શુદ્ધિ, કરુણા અને ક્ષમા ધૂંધળી પડી જાય છે. પર્યુષણ એ સમય છે જ્યારે જૈન સમાજ થોડા દિવસો માટે સંયમ, ઉપવાસ, સ્વાધ્યાય અને પ્રાયશ્ચિત દ્વારા આત્માની જ્યોતને તેજસ્વી બનાવે છે.
આ તહેવાર દરમિયાન લોકો ઉપવાસ કરે છે, જે માત્ર શરીર માટે જ નહીં પરંતુ મન માટે પણ અનોખું સાધન છે. ખોરાકનો ત્યાગ શરીરને હળવું કરે છે અને મનને ધ્યાન, પ્રાર્થના અને આત્મવિચાર તરફ એકાગ્ર બનાવે છે. પ્રાયશ્ચિત એટલે પોતાનાં દોષોને સ્વીકારી, તેના માટે ખેદ અનુભવી સુધારાની દિશામાં આગળ વધવું. આ દિવસોમાં જૈન મંદિરોમાં કલ્પસૂત્રનું પાઠન થાય છે, જેમાં તીર્થંકર ભગવાન મહાવીરનાં જીવનપ્રસંગોનું વર્ણન આવે છે.
પર્યુષણનો સૌથી મહત્વપૂર્ણ સંદેશ છે – ક્ષમા. ક્ષમા એ જૈન ધર્મનું હૃદય છે. આ તહેવારના અંતે ‘ક્ષણાવણી’ કે ‘ક્ષણોત્સવ’ મનાવવામાં આવે છે, જેમાં દરેક વ્યક્તિ એકબીજાને કહે છે – “મિચ્છામિ દુક્કડમ” સંકૃત ભાષામાં “મૈ ક્ષમઃ દુષ્કૃતમ” તેનો શાબ્દિક અર્થ થાય છે – “મેં જો વિચાર, વાણી કે વર્તનથી તમને કોઈ દુઃખ પહોંચાડ્યું હોય તો મને માફ કરશો.”
આ ક્ષમાયાચના માત્ર શબ્દો નથી, પણ જીવન જીવવાની કળા છે. ઘણીવાર આપણા સંબંધોમાં નાની-મોટી વાતોનું ભારણ, દ્વેષ કે અહંકાર દીવાલ ઉભી કરે છે. મિચ્છામિ દુક્કડમ એ દીવાલ તોડી હૃદયને હળવું કરી દે છે. કારણ કે ક્ષમા એ એક એવું તપ છે, જે દ્વેષને પ્રેમમાં ફેરવે છે અને અંધકારને પ્રકાશમાં રૂપાંતરિત કરે છે.
પર્યુષણ આપણને શીખવે છે કે જીવનનો સાચો ધન આત્મશાંતિ છે, સંપત્તિ કે ભોગ નથી. સંયમ, સદાચાર, કરુણા અને ક્ષમા એ જ સાચા આભૂષણ છે. આ તહેવાર એ પણ યાદ અપાવે છે કે આપણું દરેક કર્મ, દરેક શબ્દ અને દરેક વિચારનો પ્રભાવ છે – તેથી સત્કર્મમાં જ જીવનનો સાર છે.
આજના સમયમાં, જ્યારે દુનિયા અસહિષ્ણુતા, તણાવ અને હિંસા તરફ વધી રહી છે, ત્યારે પર્યુષણનો સંદેશ વધુ પ્રાસંગિક બની જાય છે. જો દરેક માણસ દર વર્ષે નહીં, તો ઓછામાં ઓછું એક દિવસ દિલથી ક્ષમા માંગે અને આપે – તો સમાજમાંથી અડધી તકલીફો દૂર થઈ જાય.
મિચ્છામિ દુક્કડમ એ માત્ર જૈનોનો સંદેશ નથી, પરંતુ સમગ્ર માનવજાત માટેનું એક અનમોલ મંત્ર છે –
“ક્ષમા એ જ પરમ ધર્મ છે.”
ચાલો, પર્યુષણના આ પવિત્ર અવસરે આપણે સૌ મળીને અહંકાર, દ્વેષ અને રોષને ભૂલી જઈએ. હૃદયમાં પ્રેમ, સમરસતા અને આત્મજાગૃતિનો દીવો પ્રગટાવીએ.
શબ્દશઃ અર્થ:
- મિચ્છામિ = નિષ્ફળ થઈ જાય (મારા દોષો)
- દુક્કડમ = પાપ, અપમાન અથવા દુઃખ
એટલે કે, આ વાક્ય એ ક્ષમાપણાની એક સંસ્કૃતિ છે.
જૈન ધર્મમાં માનવામાં આવે છે કે આપણે ઘણી વાર જાણ્યા વિના લોકોના મન દુભાવી દઈએ છીએ.
પર્યુષણના અંતે, દરેક વ્યક્તિ પોતાના સ્નેહીજનો, મિત્રો, સહકર્મીઓ અને શત્રુઓ સુધીને કહે છે:
“મિચ્છામિ દુક્કડમ” – તમે મને માફ કરજો.
🙏 મિચ્છામિ દુક્કડમ – સૌને હૃદયપૂર્વક ક્ષમા 🙏
STORY BY : NIRAJ DESAI