સવારના સુવર્ણ કિરણો ખેતરના હરિયાળા પર પડતાં જ એક અલૌકિક દૃશ્ય સર્જાય. એ દૃશ્યમાં ગાયોની ઘંટડીઓનો મધુર નાદ, તાજી માટીની સુગંધ અને યજ્ઞકુંડમાંથી ઊઠતો ધુમાડો, જાણે સમગ્ર પ્રકૃતિ કોઈ મહાન તપસ્વીના યજ્ઞમાં સાક્ષી બની ઊભી હોય. આ છે વલસાડ તાલુકાના વેલવાચ ગામના પ્રગતિશીલ ખેડૂત શશીકાંત મોહનભાઈ પટેલની ધરતી, જ્યાં કૃષિ માત્ર આજીવિકા નથી, પણ એક જીવંત સાધના છે.
શશીકાંત પટેલ દરરોજ સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે મહામૃત્યુંજય મંત્રનો જાપ કરતાં યજ્ઞ કરે છે—
“ઓમ ત્રયમ્બકં યજામહે સુગન્ધિં પુષ્ટિવર્ધનં…”
એ મંત્રમાં વર્ણવેલ “સુગન્ધિં” એટલે સુગંધિતતા અને “પુષ્ટિવર્ધનં” એટલે પોષણ વધારવાની શક્તિ, તેમના જીવન અને ખેતીની મૂળ આધારશિલા બની ગઈ છે. તેઓ માને છે કે ધરતી માતા સર્વ જીવનું પોષણ કરે છે, અને યજ્ઞથી ઊર્જામય વાતાવરણ સર્જાતાં પાક માત્ર સુગંધિત જ નહીં, પણ પોષણક્ષમ પણ બને છે.
પરંતુ આ સફળતા સહેલાઈથી મળી નથી. પહેલા તેઓ અને તેમના પિતા ૨૦ હેક્ટર (૩૦ વીંઘા) જમીન પર શેરડી, ડાંગર, આંબાવાડી અને કઠોળ જેવા પાક રાસાયણિક ખાતરો અને દવાઓ વડે લેતા. ઉત્પાદન ઘટતું ગયું, જમીન કઠણ થવા લાગી, પાણીની જરૂરિયાત વધી ગઈ અને સૌથી મોટું—તેમને શ્વાસની ગંભીર તકલીફ થવા લાગી. આ સંજોગોમાં વર્ષ ૨૦૧૬માં તેઓએ ગાંધીનગરમાં શ્રી સુભાષ પાલેકરની પ્રાકૃતિક ખેતીની તાલીમ લીધી અને જીવનનો દિશા-પરિવર્તન આરંભ થયો.
પ્રાકૃતિક ખેતી શરૂ કર્યા પછી તેમની જમીન પોચી અને ફળદ્રુપ બની, પાણીની જરૂરિયાત ઘટી અને સૌથી મોટું—તેમનું સ્વાસ્થ્ય તંદુરસ્ત થયું. રાસાયણિક ખેતીની સરખામણીમાં ખર્ચ અત્યંત ઓછો અને ઉત્પાદન ગુણવત્તાયુક્ત બન્યું. આજથી પાંચ વર્ષથી તેઓ પોતાના ખેતરમાં ઉગાડેલા અનાજ અને શાકભાજી જ પરિવાર માટે વાપરે છે. ગીર જાતની ચાર દેશી ગાયો, બે વાછરડી અને એક વાછરડાથી મળતા દૂધ, ઘી, દહીં અને પનીરનો ઉપયોગ કરે છે.
તેઓ પોતે જ જીવામૃત, ઘનજીવામૃત, બીજામૃત, ગૌકૃપા અમૃતમ અને દશપર્ણી અર્ક તૈયાર કરી ખેતીમાં ઉપયોગ કરે છે. આ સાથે નવા પાક અને ખેતીલક્ષી પ્રયોગો કરી બીજા ખેડૂતોને પણ પ્રેરણા આપે છે. ખેતરમાં આવનારા ખેડૂતમિત્રોને માર્ગદર્શન આપે છે અને બજાર કરતાં ઓછા ભાવે મૂલ્યવર્ધિત ખાદ્ય ઉત્પાદનો—જેમ કે ડાંગર, ઘઉં, શેરડીના ઉત્પાદનો અને દૂધ આધારિત વસ્તુઓ—વેચે છે.
શશીકાંત પટેલ માટે ખેતી માત્ર અનાજ ઉત્પાદનનો વ્યવસાય નથી, પણ માનવતા અને પ્રકૃતિ વચ્ચેના સંતુલનનું યજ્ઞ છે. તેઓ કહે છે, “પ્રાકૃતિક ખેતી એ લોકોના જીવન બચાવતી સંજીવની છે.” ભવિષ્યમાં મોટાપાયે ડેરી ઉદ્યોગમાં પ્રવેશીને આ સંજીવની વધુ ઘેરા સુધી પહોંચાડવાનું તેમનું સ્વપ્ન છે.
અંતે, શશીકાંત પટેલની આ યાત્રા સાબિત કરે છે કે આધુનિક યુગમાં પણ ઋષિપરંપરાથી પ્રેરિત પ્રાકૃતિક ખેતી માત્ર જમીનની ઉર્વરતા જ નહીં, પરંતુ માનવ જીવનનું આરોગ્ય અને સમાજની સુખાકારી માટે એક અમૂલ્ય માર્ગદર્શક બની શકે છે.
STORY BY: NIRAJ DESAI