દેશમાં વધતા રખડતા કૂતરાઓના હુમલાઓ અને તેના પરિણામે થતા મોતના મામલાઓ હવે માત્ર શોક અને ચર્ચાજ નહિ પણ ન્યાયિક ચિંતાનું કારણ બન્યા છે. સુપ્રીમ કોર્ટે દેશમાં કૂતરાના કરડવાથી થતા મૃત્યુ અને રોગપ્રસરના ગંભીર મુદ્દે સ્વતઃ સંજ્ઞાન લઈ ભારે ચિંતા વ્યક્ત કરી છે.

અદાલતે ખાસ કરીને દિલ્હી શહેરમાં ઘટેલી અત્યંત દુઃખદ ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો, જેમાં છ વર્ષીય બાળકી છબી શર્માનું રખડતા કૂતરાના કરડવાથી 30 જૂને ગંભીર રીતે ઇજા પામી હતી અને સારવાર છતાં તે 26 જુલાઈએ જિંદગી હારી ગઈ હતી.
ન્યાયમૂર્તિ જે.બી. પારડીવાલા અને ન્યાયમૂર્તિ આર. મહાદેવનની ખંડપીઠે જણાવ્યું કે આવા બનાવો માત્ર પીડિત પરિવારજનો માટે જ નથી પરંતુ સમગ્ર સમાજ માટે ચિંતાજનક અને ડરાવનારા છે. અદાલતે આ મુદ્દે રજૂ થયેલા રિપોર્ટને જાહેર હિતની અરજી તરીકે નોંધવાની તાત્કાલિક કાર્યવાહી કરી છે અને ભારતમાં મહામહિમ મુખ્ય ન્યાયમૂર્તિને આ અંગે યોગ્ય આદેશ આપવા વિનંતી કરી છે.
પશુપાલન રાજ્યમંત્રી એસ.પી.સિંહ બઘેલે 22 જુલાઈના રોજ લોકસભામાં જણાવ્યું હતું કે વર્ષ 2024માં અત્યાર સુધીમાં દેશમાં કૂતરા કરડવાના આશરે 37 લાખ કેસ નોંધાયા છે, જેમાંથી 54 મોત રેબીઝ (હડકવા)ના કારણે થયા છે. આશ્ચર્યજનક વાત એ છે કે પીડિતોમાંથી પાંચ લાખથી વધુ બાળકો એવા હતા, જેઓ 15 વર્ષથી પણ નાનાં હતા.
વર્ષવાર કૂતરા કરડવાના કેસ અને મૃત્યુ
| 
 વર્ષ  | 
 કેસોની સંખ્યા  | 
 રેબીઝથી મૃત્યુ  | 
 15 વર્ષથી ઓછા બાળકોની સંખ્યા  | 
| 
 2022  | 
 21.9 લાખ  | 
 ઉપલબ્ધ નથી  | 
 ઉપલબ્ધ નથી  | 
| 
 2023  | 
 30.5 લાખ  | 
 ઉપલબ્ધ નથી  | 
 ઉપલબ્ધ નથી  | 
| 
 2024  | 
 37 લાખ+  | 
 54 લોકો  | 
 5,19,704+  | 
📍 રાજ્યવાર કેસ – 2024 (લાખમાં)
| 
 રાજ્ય  | 
 કેસોની સંખ્યા  | 
| 
 મહારાષ્ટ્ર  | 
 4,85,345  | 
| 
 તમિલનાડુ  | 
 4,80,427  | 
| 
 ગુજરાત  | 
 3,92,837  | 
| 
 કર્નાટક  | 
 3,61,494  | 
| 
 બિહાર  | 
 2,63,930  | 
| 
 કેરળ  | 
 1,15,046  | 
| 
 દિલ્હી  | 
 25,210  | 

પૂર્વમાં સુપ્રીમ કોર્ટે નોઈડાની એક અરજીની સુનાવણી દરમિયાન પણ તાકીદ કરી હતી કે લોકોના જીવન અને સુરક્ષાની કિંમત પર કૂતરાઓને જાહેર સ્થળે ખવડાવવાની મનમાની માન્ય ન બની શકે. ન્યાયમૂર્તિ વિક્રમ નાથે સ્પષ્ટ રીતે જણાવ્યુ હતું કે જો કોઈ વ્યક્તિએ કૂતરાઓને ખવડાવવા જ હોય, તો તે પોતાનાં ઘરમાં જ કરે.
આ પૃષ્ઠભૂમિમાં, દેશ માટે આ પ્રશ્ન માત્ર એક આરોગ્યસંબંધિત પડકાર નહિ રહ્યો, પણ જાહેર વ્યવસ્થાની કસોટી બની રહ્યો છે. હવે જોવાનું એ રહેશે કે દેશની સર્વોચ્ચ અદાલત આ અંગે શા પ્રકારનો માર્ગદર્શક નિર્ણય આપે છે અને તંત્ર કેટલું ચુસ્ત પગલું લે છે.