પવિત્ર શ્રાવણ માસના પ્રથમ અઠવાડિયે વલસાડ શહેરના નજીક હીંગળાજ માતા મંદિર ખાતે સાપ્તાહિક ધાર્મિક વિધિઓનું વિશેષ આયોજન કરવામાં આવે છે. આ અવસરે માતાજીની પધરામણી ગામના દરેક ઘરમાં કરવામાં આવે છે. પધરામણી દરમિયાન માતાજી સાથે હનુમાનજી અને બાળગોપાલજી પણ બિરાજમાન રહે છે. આ ધાર્મિક કાર્યક્રમમાં ગામજનો શ્રદ્ધાપૂર્વક ભાગ લે છે અને ભક્તિભાવપૂર્વક માતાજીની આરાધના કરે છે.
હીંગળાજ માતા મંદિર – સ્થાપના
આજથી લગભગ 300 વર્ષ પૂર્વે, જ્યારે વલસાડના ભાગળા બંદર પર વહાણવટાનો ઉદ્યોગ ચરમસીમાએ હતો, ત્યારે માછીમાર સમુદ્રમાર્ગે માંગરોળ, કાલીકટ, કચ્છ, સૌરાષ્ટ્ર,મલબાર, કરાચી વગેરે બંદરો જતાં. એકવાર દરિયાઈ તોફાનમાં શઢવાળું વહાણ સપડાઈ ગયું અને માલ ફેંકીને માંડ બચાવ થયો. માતાજીની કૃપાથી તેઓ સુરક્ષિત રીતે કરાચી બંદરે ઉતર્યા.
આ ઘટના પછી સાગરખેડૂઓએ પગપાળા બલૂચિસ્તાનમાં હિંગળાજ માતાના દર્શન કર્યા. ગામમાં માતાજીના પદચિહ્ન સ્થાપવા ચુંદડી, શ્રીફળ અને પ્રસાદ લાવ્યા અને ખાર ખાજણ ફળિયામાં મંદિરની શરૂઆત કરી. ત્યારબાદ હાલના સ્થળે નવા મંદિરની નીવ નખાઈ. સમયના વહેણ સાથે ચાર વખત મંદિરનો જીણોદ્ધાર કરાયો. હાલના મંદિર ની સ્થાપના સાલ 1994 મા કરવામા આવી. જેને કુલ 8 વર્ષનો સમયગાળો લાગ્યો હતો. હાલ ના મંદિરમાં માતા હિલાજ અને એમની બે સખીઓને દેવી સ્વરૂપ મૂર્તિની નવ પ્રતીસ્થાન દ્વારકા શારદાપીઠના જગદ્ગુરુ શંકરાચાર્ય શ્રી સ્વારૂપાનંદજી ના હસ્તક થયું
હિંદુ ધર્મમાં શક્તિના અનેક રૂપો છે, અને તેમા એક પરમ શક્તિશાળી રૂપ છે – શ્રી હિંગળાજ માતા.
મહાપ્રજાપતિ દક્ષે એક મહાયજ્ઞ યોજ્યો હતો. તેણે પોતાનું પુત્રત્વ બતાવતા, ભગવાન શિવ (તેમના જમાઈ)નું અપમાન કર્યું અને તેમને યજ્ઞમાં આમંત્રણ ન આપ્યું. જ્યારે માતા સતીને આ ખબર પડી, ત્યારે તેઓ અત્યંત દુઃખી થઈને પિતાના યજ્ઞમાં પોતાનું ત્યાગ કરી દીધો (આગમાં પ્રવેશ કરીને). ભગવાન શિવ એ દેહથી વિયોગ થયેલા સતીના શરીરને પોતાના ખભે રાખીને સમગ્ર બ્રહ્માંડમાં તાંડવ નૃત્ય શરૂ કર્યું – જેના લીધે સૃષ્ટિમાં અંધકાર અને વિનાશ ફેલાવા લાગ્યો. જગતને વચાવવા માટે ભગવાન વિષ્ણુએ પોતાના સુદર્શન ચક્ર વડે માતા સતીના શરીરને કાપી ૫૧ ટુકડા કર્યા. જ્યાં-જ્યાં માતાના શરીરના અંગો પડ્યાં, ત્યાં ત્યાં શક્તિપીઠો સર્જાયા.
દરેક શક્તિપીઠમાં દેવીનો એક વિશિષ્ટ અંગ પડેલો છે
તેમાંથી એક પવિત્ર શક્તિપીઠ છે – હિંગળાજ પીઠ. આ પીઠ પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રદેશના મકરાન વિસ્તારમાં આવેલું છે. અહીં માતા સતીનું મસ્તક (બ્રહ્મરંધ્ર) પડ્યું હતું. ત્યારે આ પીઠ અત્યંત શક્તિશાળી બન્યું.
કહે છે કે, આ સ્થળ તાંત્રિક સાધનાનું પરમ સ્થાન છે. અહીં શ્રી હિંગળાજ માતા “ભય નાશિની”, “મુક્તિદાયિની”, અને “રક્ષણદાયિ” તરીકે પૂજાય છે. હિંગળાજ માતા તાંત્રિક પરંપરા અને શક્તિપીઠોમાંથી એક મહત્વપૂર્ણ દેવી છે. ભારત અને ખાસ કરીને ગુજરાત-રાજસ્થાનમાં તેમની ભક્તિ ખૂબ જ વ્યાપક છે.
હીંગળાજ માતા મંદિર વલસાડ – આધ્યાત્મિક માન્યતા
પ્રમુખ શ્રી નટુભાઈ જણાવે છે કે સદીઓ પહેલાં એક તપસ્વીએ તાંત્રિક સાધના દ્વારા અહીં શક્તિ સ્થાપી હતી. કહેવાય છે કે માતાજી ત્યાગ અને શક્તિના સ્વરૂપે પથ્થરમાંથી પ્રગટ થયેલી દેવી છે. ગામમાં ભૂતકાળમાં આવેલા દુષ્કાળ અને રોગચાળાના સમય દરમિયાન ભક્તોએ માતાજીની આરાધના કરી, અને આશીર્વાદરૂપે ગામમાં વરસાદ પડ્યો અને શાંતિ છવાઈ.
ભક્તો માને છે કે અહીં ઉપાસનાથી ઘરની શાંતિ, વેદના નિવૃત્તિ અને સુખ પ્રાપ્ત થાય છે. અહીં માતાજીને કુળદેવી તરીકે પૂજવામાં આવે છે. નવરાત્રીમાં હજારો ભક્તો દર્શનાર્થે આવે છે અને ગામમાં મેળા જેવો માહોલ સર્જાય છે.
આ મંદિર જગતજનનીના શક્તિશાળી પ્રતિબિંબ રૂપે માનવામાં આવે છે, અને ભયમુક્તિ, સુખ-શાંતિ તથા સંતાનપ્રાપ્તિ માટે ભક્તો અખંડ શ્રદ્ધા સાથે પૂજા કરે છે.
STORY BY : NIRAJ DESAI